CNG કિટનો ધંધો 50% તૂટ્યો: ગેસના ભાવ પેટ્રોલની લગોલગ પહોંચતા ગ્રાહકો અને વેપારીઓ મુશ્કેલીમાં | Moneycontrol Gujarati
Get App

CNG કિટનો ધંધો 50% તૂટ્યો: ગેસના ભાવ પેટ્રોલની લગોલગ પહોંચતા ગ્રાહકો અને વેપારીઓ મુશ્કેલીમાં

CNG kit demand drop: અમદાવાદમાં સીએનજી ગેસનો ભાવ 98.47 રૂપિયા થઈ જતાં બહારથી CNG કિટ નંખાવવાનો ધંધો 50% ઘટી ગયો છે. જાણો શા માટે ગ્રાહકો હવે ફેક્ટરી ફિટેડ કાર તરફ વળી રહ્યા છે.

અપડેટેડ 12:01:21 PM Oct 25, 2026 પર
Story continues below Advertisement
કિટ ફિટિંગનું કામ કરતા મિકેનિક્સ અને વેપારીઓની હાલત કફોડી બની છે. એક સમય હતો જ્યારે મોટા ગેરેજમાં મહિને 300 જેટલી CNG કિટ્સ ઈન્સ્ટોલ થતી હતી. આજે એ જ કારીગરોને મહિને માંડ 100 કિટનું કામ મળે છે.

CNG kit demand drop: પેટ્રોલના ખર્ચમાંથી રાહત મેળવવા માટે એક સમયે કારમાં બહારથી CNG કિટ નંખાવવાનો મોટો ક્રેઝ હતો. પરંતુ હવે આ ટ્રેન્ડમાં મોટો બદલાવ આવ્યો છે. અમદાવાદમાં CNG ગેસના ભાવ પ્રતિ કિલો 98.47 રૂપિયા પર પહોંચી ગયા છે. ગેસ અને પેટ્રોલના ભાવ વચ્ચેનો તફાવત ઘટતો જતો હોવાથી બહારથી કિટ નંખાવવાના ધંધાને મોટો ફટકો પડ્યો છે. આજના સમયમાં CNG કિટ ફિટિંગનો વ્યવસાય 50 ટકા કરતાં પણ વધુ ઘટી ગયો છે, જેના કારણે વેપારીઓ અને ગ્રાહકો બંને અટવાયા છે.

કારીગરોની રોજગારી પર સીધી અસર

એસ.જી હાઈવે સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં કિટ ફિટિંગનું કામ કરતા મિકેનિક્સ અને વેપારીઓની હાલત કફોડી બની છે. એક સમય હતો જ્યારે મોટા ગેરેજમાં મહિને 300 જેટલી CNG કિટ્સ ઈન્સ્ટોલ થતી હતી. આજે એ જ કારીગરોને મહિને માંડ 100 કિટનું કામ મળે છે. સમગ્ર બજારનો 50 ટકાથી વધુ બિઝનેસ સાફ થઈ ગયો છે.

બચતનું ગણિત ખોરવાયું: ખર્ચ 50 હજારને પાર

સામાન્ય માણસ કારમાં કિટ એટલા માટે નંખાવે છે કે લાંબા ગાળે તેને ઈંધણમાં બચત થાય. પણ હવે આ ગણિત બદલાઈ ગયું છે. વર્ષ 2013માં કારમાં CNG કિટ નંખાવવાનો ખર્ચ આશરે 30થી 35 હજાર રૂપિયા આવતો હતો. આજે આધુનિક કારમાં આ ખર્ચ વધીને 50 હજાર રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. જ્યારે ગ્રાહક 50 હજારનું રોકાણ કરે છે, ત્યારે ગેસના ઊંચા ભાવ 98.47 રૂપિયાને કારણે પ્રતિ કિલોમીટર થતી બચત ખૂબ જ ઓછી થઈ જાય છે. પરિણામે કિટનો ખર્ચ વસૂલ કરવામાં વર્ષો નીકળી જાય છે. આ દર ચાર-પાંચ મહિને બદલાતા પેટ્રોલ અને CNG ના ભાવના તફાવતને જોઈને ગ્રાહકો મૂંઝવણમાં મુકાય છે.


ફેક્ટરી ફિટેડ કારનો વધતો દબદબો

છેલ્લા કેટલાક સમયથી કાર ઉત્પાદક કંપનીઓએ સીધી જ ફેક્ટરીમાંથી એટલે કે કંપની ફિટેડ CNG સુવિધાવાળી કાર બજારમાં ઉતારવાનું શરૂ કર્યું છે. આ કાર્સ વધુ સુરક્ષિત અને પરફેક્ટ ટ્યુનિંગ સાથે આવે છે. ગ્રાહકો હવે બહારથી કિટ નંખાવીને કારની વોરંટી ગુમાવવા કે ટેકનિકલ મગજમારીમાં પડવા માંગતા નથી. કંપની ફિટેડ કારની સરળ ઉપલબ્ધતાએ લોકલ કિટ ઈન્સ્ટોલર્સ માટે હરીફાઈ વધારી દીધી છે. ઉપરાંત, આધુનિક કારમાં કિટના કડક નિયમો અને આરટીઓની મંજૂરીની લાંબી પ્રક્રિયા પણ ધંધાને ધીમો પાડી રહી છે.

કેવી રીતે શરૂ થયા CNG કિટના વળતા પાણી?

2021: આ વર્ષે CNG કિટ નંખાવવાના ધંધામાં 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

2022: BS6 ના કડક નિયમો લાગુ થતાં લોકલ કિટ ફિટિંગના ધંધા સામે મોટો પડકાર ઉભો થયો.

2023: કંપની ફિટેડ સીએનજી વાહનોના વેચાણમાં 53 ટકા જેટલો જંગી વધારો થયો, જેણે લોકલ માર્કેટ તોડી નાખ્યું.

આજની સ્થિતિ: પેટ્રોલ કારમાં બહારથી સીએનજી કિટ નંખાવવાનું કામ હવે 50 ટકાથી પણ નીચે સમેટાઈ ગયું છે.

આજની પરિસ્થિતિ જોતાં સ્પષ્ટ થાય છે કે, જ્યાં સુધી CNG અને પેટ્રોલના ભાવમાં મોટો તફાવત નહીં આવે, ત્યાં સુધી બહારથી કિટ નંખાવવાનું બજાર ફરીથી બેઠું થવું મુશ્કેલ છે. ગ્રાહકો માટે હવે 'કંપની ફિટેડ' કાર જ પહેલી પસંદ બની ગઈ છે.

આ પણ વાંચો-  શેરબજારના રોકાણકારો માટે મોટા સમાચાર, SEBIના આ 7 નવા પ્રસ્તાવથી બદલાઈ જશે માર્કેટની દિશા

MoneyControl News

MoneyControl News

First Published: Oct 25, 2026 12:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.