Canada Work Visa: વર્ક વિઝા પર કેનેડા જવા માગતા લોકો LMIA લેટર મેળવવા માટે ઘણીવાર મોટી રકમ ચૂકવતા હોય છે, અને ત્યારબાદ તેના આધારે વર્ક વિઝા મેળવી કેનેડા ઉપડી જતા હોય છે. ખાસ કરીને અનસ્કીલ્ડ લોકો LMIA લેટર માટે લાખો રૂપિયા ખર્ચવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે, કારણકે તેને કેનેડામાં પ્રવેશવાનો એક સરળ રસ્તો માનવામાં આવે છે. LMIA એટલે કે લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ લેટર એક એવું ડોક્યુમેન્ટ છે કે જેના મારફતે કેનેડામાં પોતાનો બિઝનેસ ધરાવતો કોઈપણ વ્યક્તિ વિદેશથી કામદારોને બોલાવી શકે છે. જે લોકો સ્ટૂડન્ટ વિઝા પર પણ કેનેડા જાય છે તે પણ વર્ક પરમિટ પૂરી થયા બાદ કેનેડામાં રહેવા માટે અને આગળ જતાં PR લેવા LMIA લેટરની ગોઠવણ કરવામાં લાગેલા રહે છે. જોકે, LIMA લેટર તમારી પાસે આવી જાય તો તેના આધારે કેનેડાની વર્ક પરમિટ મળી જ જશે તેની કોઈ ગેરંટી નથી હોતી. થોડા સમય પહેલા જ ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડા એટલે કે IRCC દ્વારા LMIA લેટર પર વર્ક વિઝા માટે એપ્લાય કરનારી એક યુવતીને વિઝા આપવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે, IRCCના ઓફિસરના આ નિર્ણય સામે આ યુવતીએ કેનેડાની કોર્ટમાં ચેલેન્જ કર્યો હતો. તેની દલીલ હતી કે તેની વિઝા એપ્લિકેશન કોઈ ઠોસ યોગ્ય કારણ વિના જ રિજેક્ટ કરી દેવામાં આવી છે.

