સરકારી બેન્કોના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. નાણા મંત્રાલયે ભારતીય બેન્કિંગ એસોસિએશન (IBA)ને બેન્ક કર્મચારીઓના વેતનમાં વધારા માટે વાટાઘાટ પ્રક્રિયા શરૂ કરવા અને તેને 1 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા જણાવ્યું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સોમવારે નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને આ માહિતી આપી હતી. સરકારી બેન્કોના કર્મચારીઓ અને અધિકારીઓના પગારની સમીક્ષાનો મામલો 1 નવેમ્બર 2022થી અટવાયેલો છે. અધિકારીએ જણાવ્યું હતું કે વેતનમાં વહેલી તકે સુધારો કામકાજની સ્થિતિમાં સુધારો કરવામાં અને બેન્કિંગ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે.

