Get App

મોટો ઝટકો! Hike અને BluSmart જેવી 5 દિગ્ગજ ભારતીય કંપનીઓ 2025માં થઈ બંધ, જાણો સંપૂર્ણ કારણો

Indian Startups 2025: વર્ષ 2025 ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે ખરાબ સપના જેવું રહ્યું. WhatsAppને ટક્કર આપનાર Hikeથી લઈને Uberની હરીફ BluSmart જેવી 5 મોટી કંપનીઓને તાળાં લાગી ગયા. જાણો કેમ આ કંપનીઓ નિષ્ફળ ગઈ.

MoneyControl Newsઅપડેટેડ Dec 28, 2025 પર 12:20 PM
મોટો ઝટકો! Hike અને BluSmart જેવી 5 દિગ્ગજ ભારતીય કંપનીઓ 2025માં થઈ બંધ, જાણો સંપૂર્ણ કારણોમોટો ઝટકો! Hike અને BluSmart જેવી 5 દિગ્ગજ ભારતીય કંપનીઓ 2025માં થઈ બંધ, જાણો સંપૂર્ણ કારણો
Indian Startups 2025: વર્ષ 2025 ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે ખરાબ સપના જેવું રહ્યું.

Indian Startups 2025: વર્ષ 2025 ભારતીય સ્ટાર્ટઅપ જગત માટે સારા અને માઠા બંને સમાચાર લઈને આવ્યું. એક તરફ જ્યાં કેટલીક નવી કંપનીઓએ IPO દ્વારા શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી, તો બીજી તરફ ઘણા મોટા અને જાણીતા સ્ટાર્ટઅપ્સને હંમેશા માટે પોતાનો બિઝનેસ સમેટી લેવો પડ્યો. lnc42ના એક રિપોર્ટ અનુસાર, આ વર્ષે લગભગ 25 ભારતીય સ્ટાર્ટઅપ્સ બંધ થયા, જેણે સમગ્ર ઇકોસિસ્ટમને હચમચાવી દીધું. આ પાછળ ફંડિંગની અછત, કડક સરકારી નિયમો અને બજારના બદલાતા ટ્રેન્ડ જેવા કારણો મુખ્ય રહ્યા. ચાલો જાણીએ એવા 5 મોટા સ્ટાર્ટઅપ્સ વિશે જે 2025 માં બંધ થઈ ગયા.

1. Hike (હાઇક) આ લિસ્ટમાં સૌથી મોટું અને ચર્ચિત નામ Hike છે. 2012માં શરૂ થયેલી આ મેસેજિંગ એપને એક સમયે WhatsAppનો ભારતીય વિકલ્પ માનવામાં આવતો હતો અને તેના 100 મિલિયનથી પણ વધુ યુઝર્સ હતા. જોકે, સમય જતાં કંપનીએ મેસેજિંગ છોડીને ગેમિંગ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ ભારતમાં રિયલ-મની ગેમિંગ પર લાગેલા કડક નિયમો અને કાયદાકીય અનિશ્ચિતતાને કારણે સપ્ટેમ્બર 2025માં Hikeને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું.

2. BluSmart (બ્લુસ્માર્ટ) ઇલેક્ટ્રિક ગાડીઓ દ્વારા કેબ સર્વિસ આપતી BluSmart એપ્રિલ 2025માં ખોટા કારણોસર ચર્ચામાં આવી. કંપનીના સહ-સ્થાપક પર નાણાકીય ગેરરીતિની તપાસ શરૂ થતાં જ કંપનીએ તેની રાઇડ્સ બંધ કરી દીધી. જોતજોતામાં કંપની દેવાળું ફૂંકવાની પ્રક્રિયામાં આવી ગઈ. આ કારણે કર્મચારીઓના પગાર અટકી ગયા અને યુઝર્સના વોલેટમાં પડેલા પૈસા પણ ફસાઈ ગયા. નોંધનીય છે કે BluSmart ઇલેક્ટ્રિક કેબ સેગમેન્ટમાં Uber ને જોરદાર ટક્કર આપી રહી હતી.

3. Otipy (ઓટિપિ) ખેડૂતો પાસેથી સીધા ગ્રાહકો સુધી શાકભાજી અને ગ્રોસરી પહોંચાડતું આ સ્ટાર્ટઅપ ફંડિંગની અછતનો શિકાર બન્યું. ક્વિક કોમર્સ કંપનીઓ (જે 10-20 મિનિટમાં ડિલિવરી કરે છે) તરફથી મળતી તીવ્ર સ્પર્ધા અને નવું ભંડોળ મેળવવામાં નિષ્ફળતાને કારણે Otipy એ મે 2025માં પોતાનું કામકાજ બંધ કરી દીધું. આ કારણે 300થી વધુ કર્મચારીઓએ નોકરી ગુમાવી અને વેન્ડર્સના કરોડો રૂપિયા પણ ડૂબી ગયા.

4. Beepkart (બીપકાર્ટ) જૂના એટલે કે સેકન્ડ હેન્ડ ટુ-વ્હીલરના વેચાણ માટેનું આ ઓનલાઈન પ્લેટફોર્મ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું હતું, પરંતુ ઓગસ્ટ 2025માં તેને પણ તાળાં લાગી ગયા. 18 મિલિયન ડોલરનું મોટું ફંડિંગ મેળવ્યા છતાં બજારમાં વધી ગયેલી સ્પર્ધા અને રોકાણના અભાવે તેની ગતિ પર બ્રેક મારી દીધી.

5. Crickpe (ક્રિકપે) ભારત-પે ના ભૂતપૂર્વ સ્થાપક અશ્નીર ગ્રોવરની નવી કંપની 'થર્ડ યુનિકોર્ન'નું આ પ્રથમ ઉત્પાદન હતું. Crickpe એક ફેન્ટસી ક્રિકેટ પ્લેટફોર્મ હતું. ફેબ્રુઆરી 2025માં તેના બંધ થવાના સમાચાર આવ્યા, જોકે તેનું કામકાજ 2024ના અંતમાં જ બંધ થઈ ગયું હતું. ગેમિંગ પર 28% GST અને તેને જુગાર ગણવામાં આવતા નિયમોને કારણે આ બિઝનેસ બંધ કરવો પડ્યો. અશ્નીર ગ્રોવરે પોતે કહ્યું હતું કે, "ગેમિંગ સાથે જોડાયેલ 'જુગાર' શબ્દ અમને પસંદ નથી."

વર્ષ 2025એ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતમાં સ્ટાર્ટઅપ ચલાવવા માટે માત્ર સારો આઈડિયા અને કરોડોનું ફંડિંગ જ પૂરતું નથી. જે કંપનીઓ સરકારી નિયમોને સમજી શકતી નથી, જેમની પાસે લાંબા ગાળાનો બિઝનેસ પ્લાન નથી અને જેમનું મેનેજમેન્ટ મજબૂત નથી, તેમના માટે બજારમાં ટકી રહેવું હવે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો