Get App

ઇન્ફ્રા કંપનીને લાગી લોટરી! NHAI તરફથી મળ્યો 670 કરોડનો પ્રોજેક્ટ, શેરમાં જોરદાર તેજી

GPT Infraprojectsને નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) તરફથી 670 કરોડનો મોટો કોન્ટ્રાક્ટ મળતા મંગળવારે શેરમાં 5% નો ઉછાળો આવ્યો છે. જાણો જોધપુર અને મુંબઈના પ્રોજેક્ટ્સની સંપૂર્ણ વિગત અને શેરની હાલની સ્થિતિ વિશે.

MoneyControl Newsઅપડેટેડ Dec 23, 2025 પર 11:10 AM
ઇન્ફ્રા કંપનીને લાગી લોટરી! NHAI તરફથી મળ્યો 670 કરોડનો પ્રોજેક્ટ, શેરમાં જોરદાર તેજીઇન્ફ્રા કંપનીને લાગી લોટરી! NHAI તરફથી મળ્યો 670 કરોડનો પ્રોજેક્ટ, શેરમાં જોરદાર તેજી
GPT Infraprojectsને નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) તરફથી 670 કરોડનો મોટો કોન્ટ્રાક્ટ મળતા મંગળવારે શેરમાં 5%નો ઉછાળો આવ્યો છે.

GPT Infraprojects: ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની જાણીતી કંપની GPT Infraprojects માટે મંગળવાર, 23 ડિસેમ્બરનો દિવસ સારા સમાચાર લઈને આવ્યો છે. કંપનીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તરફથી એક મોટો ઓર્ડર મળતા જ શેરબજારમાં કંપનીના શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં જ કંપનીના શેર 5% સુધી ઉછળી ગયા હતા. કંપની દ્વારા શેરબજારોને આપવામાં આવેલી માહિતી મુજબ, આ નવો ઓર્ડર 670 કરોડના મૂલ્યનો છે, જેના કારણે કંપનીની હાઈવે સેગમેન્ટની ઓર્ડર બુક વધુ મજબૂત બની છે.

આ પ્રોજેક્ટની વિગતો જોઈએ તો, GPT Infraprojects અને ISCPPLના કન્સોર્ટિયમને સંયુક્ત રીતે આ ઓર્ડર મળ્યો છે. આ માટેની બોલી 'GPT-ISCPPL (Consortium)' ના નામે જમા કરવામાં આવી હતી. આ કોન્ટ્રાક્ટ હેઠળ રાજસ્થાનના જોધપુર શહેરમાં એક મોટો રોડ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. જેમાં મહામંદિરથી અખાલિયા ચોક સુધી ચાર લેનનો એલિવેટેડ રોડ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ પ્રોજેક્ટ હાઈબ્રિડ એન્યુટી મોડલ (HAM) હેઠળ પાર પાડવામાં આવશે. આ મોડલની ખાસિયત એ છે કે તેમાં સરકાર અને ખાનગી કંપની બંનેની ભાગીદારી હોય છે, જેનાથી પ્રોજેક્ટનું નાણાકીય જોખમ સંતુલિત રહે છે.

નોંધનીય છે કે આ ઓર્ડર મળ્યાના થોડા દિવસો પહેલા જ એટલે કે 18 ડિસેમ્બરે, કોલકાતા સ્થિત આ કંપનીને મુંબઈથી પણ એક મોટો ઓર્ડર મળ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ (MCGM) દ્વારા આપવામાં આવેલા આ ઓર્ડરની કુલ કિંમત 1,804.48 કરોડ છે. મુંબઈનો આ પ્રોજેક્ટ ટ્રાફિકની દ્રષ્ટિએ મહત્વના ગણાતા પૂર્વ ઉપનગરોમાં એલબીએસ (LBS) માર્ગ પર નવા ફ્લાયઓવરના નિર્માણ સાથે સંકળાયેલો છે. આ ફ્લાયઓવર કુર્લામાં કલ્પના ટોકીઝથી ઘાટકોપર વેસ્ટમાં પાંખે શાહ દરગાહ સુધી બનાવવામાં આવશે.

મુંબઈના આ પ્રોજેક્ટ માટે કંપનીને ચોમાસાની ઋતુને બાદ કરતાં કામ પૂર્ણ કરવા માટે 36 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પણ જોઈન્ટ વેન્ચર સ્ટ્રક્ચર હેઠળ મળ્યો છે, જેમાં GPT Infraprojects ની ભાગીદારી 26% છે. આ ગણતરી મુજબ, કંપનીના ભાગે આવતા કામનું મૂલ્ય અંદાજે 469.16 કરોડ થાય છે. આમ, ઉપરાઉપરી મળેલા બે મોટા ઓર્ડર્સને કારણે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.

શેરબજારમાં આ સમાચારોની સકારાત્મક અસર જોવા મળી હતી. મંગળવારે કારોબાર દરમિયાન શેરની કિંમત વધીને 116.60 ના સ્તરે પહોંચી ગઈ હતી. જોકે, રોકાણકારોએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે છેલ્લા 6 મહિનામાં આ શેરમાં 9%નો ઘટાડો નોંધાયો છે, અને આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સ્ટોક લગભગ 21% જેટલો તૂટ્યો છે. આમ છતાં, નવા ઓર્ડર્સ મળવાથી કંપનીની ભવિષ્યની કામગીરી સુધરવાની આશા જાગી છે.

આ પણ વાંચો- KSH International IPO: રોકાણકારોને નિરાશા! 3% ડિસ્કાઉન્ટ સાથે શેર બજારમાં લિસ્ટિંગ, જાણો કંપનીની આર્થિક કુંડળી

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો