Gensol Scam: જેનસોલ એન્જિનિયરિંગના પ્રમોટર અનમોલ સિંહ જગ્ગી અને પુનીત સિંહ જગ્ગીએ કંપનીના લોનના પૈસાને ગોળગોળ ફેરવીને પોતાની લક્ઝરી લાઇફ સ્ટાઇલ પર ખર્ચ કર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. બજાર નિયામક સેબી (SEBI)એ જેનસોલ એન્જિનિયરિંગ પર કડક કાર્યવાહી કરી છે. સેબીએ અનમોલ અને પુનીત જગ્ગીને કોઈપણ ડિરેક્ટરશિપ હોદ્દા પર રહેવા કે કંપનીના શેરની ખરીદ-વેચાણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીના પૈસાનો ખાનગી લાભ માટે દુરુપયોગ કરનાર જગ્ગી બંધુઓ હવે સેબીના રડાર પર છે. આ ગેરરીતિઓના ખુલાસા બાદ જેનસોલ એન્જિનિયરિંગના શેરમાં ભારે ઘટાડો થયો છે. સેબીની કાર્યવાહી બાદ શેર 4.99% ઘટીને ₹122.65 પર પહોંચ્યા, જેનાથી રોકાણકારોને મોટું નુકસાન થયું છે. રોકાણકારો હવે આ શેર વેચી રહ્યા છે.