Hong Kong fire: હોંગકોંગના તાઈ પો જિલ્લામાં આવેલા વાંગ ફુક કોર્ટ કોમ્પ્લેક્સમાં બુધવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 44 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 279 લોકો હજુ પણ લાપતા છે. અહેવાલો અનુસાર, કોમ્પ્લેક્સની 8માંથી 7 ઇમારતોમાં આગ ફેલાઈ ગઈ હતી, જેના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. બચાવકર્મીઓએ સવાર સુધી બળી રહેલી ઉંચી ઇમારતોમાંથી લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ રાખ્યું હતું. પોલીસે આ મામલે 3 લોકોની ધરપકડ કરી છે અને તેમના પર બેદરકારીપૂર્વક મૃત્યુ નિપજાવવાનો કેસ ચાલવાની શક્યતા છે. આ આગ બુધવારે બપોરના સમયે ન્યુ ટેરીટરીઝના ઉપનગરીય વિસ્તાર તાઈ પો જિલ્લાના રહેણાંક કોમ્પ્લેક્સમાં લાગી હતી. ગુરુવાર સવાર સુધી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો ન હતો અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલુ હતું.

