કોંગ્રેસે તેના 41 જિલ્લા અધ્યક્ષોની પસંદગી સાથે સંગઠનમાં ફેરફારોની શરૂઆત કરી છે, જ્યારે આપે વિસાવદરમાં પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે વિસાવદર સીટ પર શું કોંગ્રેસ અને આપ ગઠબંધન કરશે, કે પછી બંને પક્ષો અલગ-અલગ મેદાનમાં ઉતરશે? આ સવાલ પર આપના નેતાઓનું કહેવું છે કે અગાઉની પેટાચૂંટણીમાં પાર્ટીએ વાવ સીટ પર પોતાનો ઉમેદવાર નહોતો ઉભો રાખ્યો. ગેનીબેન ઠાકોરના સાંસદ બનવાથી આ સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. આથી, વિસાવદર સીટ આપના ધારાસભ્યના ભાજપમાં જોડાવાથી ખાલી થઈ હોવાથી, કોંગ્રેસે પોતાનું વચન નિભાવવું જોઈએ. કોંગ્રેસે આ મુદ્દે હજુ સુધી પોતાની રણનીતિ જાહેર કરી નથી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ભાજપને મુશ્કેલીમાં મૂકવા માટે કોંગ્રેસ આ સીટ પર ઉમેદવાર નહીં ઉતારે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસાવદરની સાથે મહેસાણા વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી થઈ શકે છે, જ્યાં ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું ફેબ્રુઆરીમાં નિધન થયું હતું.