Get App

ગુજરાત કોંગ્રેસમાં મોટી હલચલ, પેટાચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું

ગુજરાતમાં યોજાયેલી કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે, જેણે રાજ્યના રાજકીય ગરમાવાને વધુ તેજ બનાવ્યો છે. આ બંને બેઠકો પર કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે, જેના પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 23, 2025 પર 6:34 PM
ગુજરાત કોંગ્રેસમાં મોટી હલચલ, પેટાચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી આપ્યું રાજીનામુંગુજરાત કોંગ્રેસમાં મોટી હલચલ, પેટાચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું
શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ, કોંગ્રેસ પક્ષ દ્વારા દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

Shaktisinh Gohil resigns: ગુજરાતમાં આજે યોજાયેલી કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે આઘાતજનક રહ્યા છે. બંને બેઠકો પર કોંગ્રેસને સફળતા ન મળતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. આ રાજકીય ઘટનાક્રમથી રાજ્યના રાજકારણમાં મોટી હલચલ મચી ગઈ છે. શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ, કોંગ્રેસ પક્ષ દ્વારા દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ ન થાય ત્યાં સુધી તેઓ આ પદભાર સંભાળશે.

શક્તિસિંહ ગોહિલે રાજીનામા બાદ શું કહ્યું?

રાજીનામું આપ્યા બાદ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે, "હું કોંગ્રેસ પાર્ટીનો સિપાહી છું. આજે કડી અને વિસાવદરમાં અમને સફળતા નથી મળી. મને સતત મદદ કરવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી, વેણુગોપાલ અને મુકુલ વાસનીકનો આભાર વ્યક્ત કરું છું. રાજીવજી અને સોનિયાજીએ આપેલું માર્ગદર્શન મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. પેટાચૂંટણીમાં પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારી મેં ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. હું હંમેશા કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરતો રહીશ."

'બદલાવ એ જ કાયમી ઘટના છે'

ગોહિલે અંગ્રેજી કહેવત ટાંકતા કહ્યું કે, "ચેન્જ ઇઝ ધ ઓન્લી પરમનન્ટ ફીનોમિના" (આ દુનિયામાં કશું કાયમી નથી, માત્ર એક જ વસ્તુ કાયમી છે અને એ છે બદલાવ). તેમણે ઉમેર્યું કે આ વાતને સમજીને તેમણે જિલ્લા પ્રમુખોના બદલાવની પ્રક્રિયાને સ્વીકારી છે અને તે બદલાયેલા પ્રમુખોને નમન કર્યા હતા.

હારની જવાબદારી સ્વીકારી

શક્તિસિંહ ગોહિલે હારનો સ્વીકાર કરતાં જણાવ્યું કે, "કડી અને વિસાવદરની ચૂંટણીનું પરિણામ અમારા માટે ખૂબ ખરાબ અને આઘાતજનક છે. આ ચૂંટણીઓ પહેલાં બંને જગ્યાએ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા ૩૦ વર્ષથી સત્તા નથી, પણ જે મક્કમતાથી આ ચૂંટણીમાં લડ્યા છે તેમને નમન કરું છું. આ અમારી મૂડી છે, અમારા નેતાઓ વેચાયા નથી કે દબાયા નથી, મક્કમતાથી લડ્યા છે. હાર અને જીત થાય પરંતુ કોંગ્રેસ પક્ષમાં 'મોરલ રિસ્પોન્સિબિલિટી' (નૈતિક જવાબદારી) નામની એક વસ્તુનું પાલન થયા કરે છે. કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ લડાઈ તેનો યશ કાર્યકર્તાઓને છે. પરિણામ નથી આવી શક્યું તેની જવાબદારી મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલાં જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો