EPF એ ભારતની સૌથી મહત્વની સામાજિક સુરક્ષા યોજનાઓમાંની એક છે, જેને Employees’ Provident Fund Organisation (EPFO) દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ યોજના 20 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં લાગુ પડે છે. અહીં કર્મચારી અને એમ્પ્લોયર બંનેએ કર્મચારીના મૂળ વેતન અને મોંઘવારી ભથ્થાના 12%નું યોગદાન આપવું પડે છે. ઉદાહરણ તરીકે જો તમારું મૂળ વેતન અને DA રુપિયા 20,000 છે, તો તમે અને તમારી એમ્પ્લોયર કંપની રુપિયા 2,400નું યોગદાન આપે છે. આ રીતે, દર મહિને રુપિયા 4,800 તમારા EPF ખાતામાં જમા થાય છે, જેના પર વાર્ષિક વ્યાજ મળે છે. કર્મચારીનું 12% યોગદાન સીધું EPF ખાતામાં જાય છે, પરંતુ એમ્પ્લોયરનું 12% યોગદાન ત્રણ ભાગમાં વહેંચાય છે: EPF, EPS અને EDLI. આ વહેંચણી એ ખાસિયત છે, જે EPFને અન્ય બચત યોજનાઓથી અલગ પાડે છે.