યોગ ગુરુ અને પતંજલિ આયુર્વેદના સહ-સ્થાપક બાબા રામદેવને હમદર્દ લેબોરેટરીઝના લોકપ્રિય પીણા રૂહ અફઝા વિરુદ્ધ વિવાદાસ્પદ ‘શરબત જિહાદ’ ટિપ્પણી માટે દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કડક ફટકાર લગાવી. કોર્ટે રામદેવની ટિપ્પણીને ‘અસ્વીકાર્ય’ અને ‘ન્યાયાલયની સંવેદનાને આઘાત પહોંચાડનારી’ ગણાવી. રામદેવે 3 એપ્રિલે પતંજલિના ગુલાબ શરબતના પ્રચાર દરમિયાન આરોપ લગાવ્યો હતો કે, રૂહ અફઝાના વેચાણમાંથી મળેલી આવક મસ્જિદો અને મદરેસાઓ બનાવવા માટે વપરાય છે, જેને તેમણે ‘શરબત જિહાદ’ સાથે સરખાવ્યું. હમદર્દે આ નિવેદનોને માનહાનિકર અને સાંપ્રદાયિક વિભાજન વધારનારા ગણાવી કોર્ટમાં અરજી કરી હતી. ન્યાયાધીશ અમિત બંસલએ રામદેવના વકીલને બપોરે 12 વાગ્યે હાજર થવા આદેશ આપ્યો, નહીં તો કડક આદેશ પસાર કરવાની ચેતવણી આપી.

