જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં સેનાના કાફલામાં એમ્બ્યુલન્સ પર ગોળીબાર કરનારા ત્રણ આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. સેનાએ ખુલાસો કર્યો હતો કે અખનૂર ઓપરેશનમાં તેની ટીમે આતંકીઓને ખતમ કરવા માટે AI (કૃત્રિમ બુદ્ધિમત્તા)નો ઉપયોગ કર્યો હતો. સેનાએ પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે AIની મદદથી અમને આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં ઝડપી અને સફળ પરિણામો મળ્યા છે. સેનાએ આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન ચાર વર્ષનો સ્નિફર ડોગ ફેન્ટમ ગુમાવ્યો હતો. તે સર્ચ ઓપરેશન દરમિયાન ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો અને આતંકવાદીઓએ તેને ગોળી મારી હતી. આર્મી ડોગના બલિદાનને કારણે સેનાના ઘણા જવાનોના જીવ બચાવી શકાયા હતા.

