Get App

ભારતીય પ્રવાસીઓનો તુર્કી અને અઝરબૈજાન પર બાયકોટ, વિઝા એપ્લિકેશનમાં 42%નો ઘટાડો

દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ તુર્કીના ઈસ્તાંબુલ, કપાડોસિયા અને અઝરબૈજાનના બાકુ જેવા સ્થળોની મુલાકાત લેતા હતા. જોકે, હવે આ દેશોની પાકિસ્તાન તરફી નીતિઓએ ભારતીય પ્રવાસીઓને આ ડેસ્ટિનેશનથી દૂર રાખ્યા છે. Atlysના પ્રવક્તાએ જણાવ્યું, “ભારતીય પ્રવાસીઓએ તેમની લાગણીઓ અને રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપીને આ નિર્ણય લીધો છે.”

MoneyControl Newsઅપડેટેડ May 21, 2025 પર 5:02 PM
ભારતીય પ્રવાસીઓનો તુર્કી અને અઝરબૈજાન પર બાયકોટ, વિઝા એપ્લિકેશનમાં 42%નો ઘટાડોભારતીય પ્રવાસીઓનો તુર્કી અને અઝરબૈજાન પર બાયકોટ, વિઝા એપ્લિકેશનમાં 42%નો ઘટાડો
નિષ્ણાતોનું માનવું છે કે આ બાયકોટની અસર તુર્કી અને અઝરબૈજાનના પ્રવાસન ઉદ્યોગ પર નોંધપાત્ર રીતે પડી શકે છે, કારણ કે ભારત એક મોટું ટુરિસ્ટ માર્કેટ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના રાજકીય તણાવ બાદ ભારતીય પ્રવાસીઓએ તુર્કી અને અઝરબૈજાનની મુસાફરી ટાળવાનો નિર્ણય લીધો છે, જેના પરિણામે આ બંને દેશો માટે વિઝા એપ્લિકેશનમાં 42 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વિઝા એપ્લિકેશન પ્લેટફોર્મ Atlysએ મંગળવારે આ આંકડા જાહેર કર્યા. આ ઘટાડાનું મુખ્ય કારણ તુર્કી અને અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલું ખુલ્લું સમર્થન છે, જે ભારતીય પ્રવાસીઓને નાગવ્યું નથી.

કાશ્મીર હુમલા બાદ ભારતની કડક કાર્યવાહી

આ ઘટનાનો પ્રારંભ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી થયો, જેમાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આ હુમલા બાદ ભારતે આતંકવાદીઓ સામે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. આ ઓપરેશન દરમિયાન તુર્કી અને અઝરબૈજાને જાહેરમાં પાકિસ્તાનનું સમર્થન કર્યું, જેનાથી ભારતીય પ્રવાસીઓમાં નારાજગી ફેલાઈ. પરિણામે, ભારતીયોએ આ બંને દેશોની મુસાફરી ટાળવાનું શરૂ કર્યું.

દિલ્હી-મુંબઈમાં વિઝા કેન્સલેશનનો દોર

Atlysના રિપોર્ટ મુજબ, ભારતીય પ્રવાસીઓએ ઝડપથી પ્રતિક્રિયા આપી અને માત્ર 36 કલાકમાં 60 ટકા યુઝર્સે વિઝા એપ્લિકેશન પ્રોસેસ અધવચ્ચે જ છોડી દીધી. આ ઘટાડામાં સૌથી મોટો હિસ્સો દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોનો છે, જ્યાં તુર્કી માટેની વિઝા એપ્લિકેશનમાં 53 ટકાનો ઘટાડો નોંધાયો. બીજી તરફ, ઈન્દોર અને જયપુર જેવા ટાયર-2 શહેરોમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

વર્ષની શરૂઆતમાં હતી બમ્પર ગ્રોથ

Atlysના ડેટા અનુસાર, આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન તુર્કી અને અઝરબૈજાન માટે વિઝા એપ્લિકેશનમાં વાર્ષિક ધોરણે 64 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ બંને દેશો ભારતીય પ્રવાસીઓમાં લોકપ્રિય ડેસ્ટિનેશન રહ્યા છે, પરંતુ તાજેતરના રાજકીય વલણને કારણે ભારતીય પ્રવાસીઓએ આ દેશોનો બાયકોટ કરવાનું નક્કી કર્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો